Ahmedabad Rain: ગુજરાતમાં મેઘરાજાએ લાંબા સમય બાદ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ગત રાત્રિથી ગુજરાતના અનેક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદ અવિરત પડી રહ્યો છે. આજે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સવારથી જ પૂર્વના વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે. 

અમદાવાદમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે. આજે સવારથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર, નરોડા, ઠક્કરનગરથી લઇને મણિનગર સુધી ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. 

તાજા અપડેટ પ્રમાણે, નરોડા, મેમ્કો, કાંકરિયા, મણીનગર, જશોદાનગર, ઠક્કરનગર, કુબેરનગર, ખોડિયારનગર, સરદારનગર, વિરાટનગર, સૈજપુર, અખબારનગર, મેમનગરથી લઇને મણીનગર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. થલતેજ, પકવાન, એસજી હાઇવે, પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા શરૂ થયા છે. તો બીજી તરફ એક વાગ્યા સુધી વરસાદના રેડ એલર્ટથી અમદાવાદના લોકોને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે. મણિનગર, જશોદાનગર, જીવરાજપાર્ક સહિતના અનેક વિસ્તારમાં AMCના પાપે ભરાયા પાણી છે. નોંધનિય છે કે, સૌથી વધુ બજેટ ધરાવતું AMC પાણી ભરાવવાની સમસ્યાથી અમદાવાદને છુટકારો નથી અપાવી શકતું. અમદાવાદમાં અનેક ઠેકાણે ગોઠણ સમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે. લોકોને ઓફીસ ધંધે જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થશે અને નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા છે. આ ઉપરાંત, તાપી અને સાબરમતી નદીઓમાં પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.