અમદાવાદઃ આજથી અષાઢ માસની શરૂઆત થઈ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ હવે આજથી ચોમાસું ફરી જામશે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળાના ઉપસાગર પરથી આવતા નીચા સ્તરના પૂર્વીય પવન, અગ્નિ ખૂણા ભણી ફંટાયા છે, જેના પગલે ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થશે.હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિસા, ગુજરાત, આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિતના કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ નૈઋત્યના ચોમાસા અંતર્ગત ભારે વરસાદની આગાહી કરી છે.


કયા જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે નવસારી-વલસાડ-બનાસકાંઠા-સાબરકાંઠા-અરવલ્લી-સુરત-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૃચ-ડાંગ-અમરેલી-ગીર સોમનાથ, સોમવારે નવસારી-વલસાડ-તાપી-સુરત-ડાંગ-અમેરેલી-ભાવનગર-અમદાવાદ-આણંદ-સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-વડોદરા-નર્મદા-ભરૃચ, મંગળવારે સુરત-નવસારી-વલસાડ-જુનાગઢ-ગીર સોમનાથ-અમદાવાદ-આણંદ-અરવલ્લી-મહીસાગર-નર્મદા-ભરૃચ-પોરબંદર-અમરેલી-બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


ગુજરાતમાં મોસમનો સરેરાશ કેટલો પડ્યો છે વરસાદ


ગુજરાતમાં હજુ સુધી ૪.૯૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૪.૮૪% જ વરસાદ નોંધાયો છે.   અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ આગામી ૨૧ જુલાઇ સુધી અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ



ગુજરાતમાં શનિવારે કોરોનાના ૫૩ નવા કેસ નોંધાયા હતા જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. ૧૫ જિલ્લામાં કોરોનાના ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ છે. આ પૈકી ડાંગ બાદ હવે પાટણ પણ કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૧૧, રાજકોટ-દેવભૂમિ દ્વારકામાંથી ૪, વડોદરા-ભરૃચમાંથી ૩, કચ્છ-જામનગર-મહીસાગર-મોરબી-વલસાડમાંથી ૨ જ્યારે અરવલ્લી-બનાસકાંઠા-ગીર સોમનાથ-જુનાગઢ-મહેસાણા-નવસારી-સાબરકાંઠામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.


ગુજરાતમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન



રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૪,૨૦૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૩ છે. હાલમાં ૧૧૫૧ એક્ટિવ કેસ છે જ્યારે ૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૨,૯૭૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬૪% છે. વધુ ૫૫,૯૯૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૪૧ કરોડ છે. હાલ રાજ્યમાં ૮૩૪૬ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.