Gujarat Weather Updates: રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ અલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD દ્વારા 13 રાજ્યોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી તીવ્ર હીટવેવ ગંગા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ, ઓડિશાના ભાગોમાં જોવા મળશે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમ રાતનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે પૂર્વી ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, હિમાલયન પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને આંતરિક કર્ણાટકમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે. બિહારના 18 જિલ્લામાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. પટના, ઔરંગાબાદ, શેખપુરા, નવાદા, મુઝફ્ફરપુર જેવા જિલ્લાઓમાં ગરમીની લહેર પ્રવર્તી રહી છે. લખનૌ હવામાન કેન્દ્રે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીના મોજાની યલો એલર્ટ ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં તાપમાન 40ને પાર કરી રહ્યું છે અને અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી.
IMD અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વીજળી સાથે તોફાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ પવન સાથે વીજળી પડવાની છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં લોકોને વીજળીની સાથે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડશે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશમાં વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ, કેરળ, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની શક્યતા છે.