Gujarat Weather: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે, હાલમાં પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી અને વરસાદ બંનેનો અનુભવ થઈ શકે છે.
ઠંડીના ચમકારા માટે રાહ જોવી પડશે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી મજબૂત વિક્ષેપ (Western Disturbance) આવે તો જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે. હાલમાં એશિયા અને યુરોપ ખંડના પવનો મર્જ થવાને કારણે ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ હવે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે. હવામાનમાં વારંવારના પલટાને કારણે હાલ ઠંડીમાં વધઘટ જોવા મળશે. આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીએ પહોંચી શકે છે.
ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ જ ઠંડીનો ચમકારો વર્તાશે
વધુમાં, અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પછીથી વર્તાશે.
ચક્રવાત અને કમોસમી વરસાદનું અનુમાન
ઠંડીના બદલાતા મિજાજ વચ્ચે અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને ચક્રવાતની પણ આગાહી કરી છે. નવેમ્બર મહિનાના અંતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાતઉદ્ભવશે તેવી શક્યતા છે. આ વાવાઝોડું નવેમ્બરના અંતથી ડિસેમ્બરના પ્રારંભે ઉદ્ભવશે. તેમણે વધુમાં જણાવ્યું કે 2-3 ડિસેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ફરી એક હળવું દબાણ સર્જાશે.
માવઠાની આગાહી
ચક્રવાતની સ્થિતિના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. ચાલુ મહિનાના અંતમાં અને ડિસેમ્બરમાં કમોસમી વરસાદનું અનુમાન છે. ખાસ કરીને, ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠાનું (કમોસમી વરસાદ) અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાનમાં સતત પલટાના કારણે હજુ સુધી ઠંડીએ જોર પકડ્યું નથી, પરંતુ 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યો માટે એક નવું અપડેટ જારી કર્યું છે.દિલ્હીમાં આજથી, રવિવાર (23 નવેમ્બર) થી ઠંડી વધુ તીવ્ર બનશે. સવારે હળવું ધુમ્મસ રહેશે, પરંતુ દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે અને સૂર્ય દેખાશે. સવારે અને રાત્રે ઠંડી રહેશે. મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પવનની ગતિ 10-15 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.