અમદાવાદના ભુવાલડીમાં પૂર્વ સરપંચના સગીર પુત્રએ બેફામ ઝડપે કાર દોડાવી એક નિર્દોષ મહિલાનો જીવ લીધો તો અન્ય ત્રણને કચડી નાંખ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં હજુ સુધી આરોપીને પોલીસ પકડી શકી નથી. ગ્રામજનોનો તો આરોપ છે કે પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્રએ નશાની હાલતમાં પૂરઝડપે કાર દોડાવી અને અકસ્માત કર્યો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે નિર્દોષ લોકોને કચડીને કાર માટીના ઢગલા પર ચડી ગઈ હતી અને કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં પોલીસની ભૂંડી ભૂમિકા સામે આવી છે. સામાન્ય અકસ્માતના ગુનામાં તાત્કાલિક આરોપીને પકડીને મીડિયા સમક્ષ રજૂ કરતી પોલીસને નિર્દોષોને કચડનારો પૂર્વ સરપંચનો પુત્ર હજુ સુધી પોલીસને મળતો નથી. અહીં સવાલ એ છે કે શું ખરેખર આરોપીને પોલીસ મળતો નથી કે પોલીસ જ આરોપીને છૂપાવી રહી છે. શું મેડિકલ રિપોર્ટમાં નશો કરેલાનું ન આવે તે માટે આરોપીની પોલીસ અટકાયત કરતી નથી.
ભુવાલડી ગામમાં પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્ર નશાની હાલતમાં અકસ્માત કર્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. સગીર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં વસંતાબેન બારીયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે રમીલાબેન ભુરીયા, પાયલબેન ગવાલા, કાળુ ભુરીયા નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તો કાર પર પણ પૂર્વ સરપંચનું સ્ટીકર લગાવેલુ જોવા મળ્યું હતું. અકસ્માત પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્રએ કર્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ગ્રામજનોનો તો એવો પણ આરોપ છે કે પૂર્વ સરપંચના સગીર પુત્ર સહિત તેની આખી ટોળકી ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના શોખીન છે. અનેક વખત ઠપકો આપ્યા છતા પૂર્વ સરપંચ ભુપેન્દ્ર ઠાકોર ગ્રામજનો સાથે ઝઘડો કરતો હતો.
મોડાસામાં કરૂણ ઘટના બની હતી
મોડાસા-અમદાવાદ રોડ પર કરુણ ઘટના બની હતી. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત અને પિતાનું મોત થયું છે. એક દિવસના નવજાતને સારવાર માટે અમદાવાદ લવાઈ રહ્યો હતો ત્યારે રાણા સૈયદ પાસે પેટ્રોલ પંપ સામે આગ લાગી હતી. મહીસાગર જિલ્લાની મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી. અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવાયો હતો. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ડોક્ટર રાજ રેટિંયા, નર્સ ભાવિકાબેન મનાતનું મોત થયું હતું.