Gujarat Weather:  ઉત્તરાયણ પર ઠંડીનું જોર રાત્રે તથા સવારના સમયે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે રાજ્યના ઘણાં ભાગોમાં ઠંડી અનુભવાઈ હતી. હવે ઉત્તરાયણ બાદ કેવા ફેરફારો થશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ, ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. પરંતુ આ સાથે ખાસ રાહતની વાત એ પણ છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી નથી.


હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના કહેવા મુજબ, રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી., હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.


કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જવાની આગાહી અગાઉ પણ નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી અને, 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે તેવું જણાવ્યું હતું. આ સાથે આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહેશે. મહેસાણા જિલ્લામાં 14થી 16 જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન 12થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવમાં તો ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મુજબ  17, 18 અને 19 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. આ પલટો શિયાળુ પાક પર માઠી અસર પાડે તેવો પણ હોઈ શકે છે. ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેઓ જણાવે છે કે, 19 તારીખ સુધી રાજ્યના ઘણાં ભાગોમાં ભારે ઝાકળ વર્ષા થઈ શકે છે. વરસાદ થયો હોય તેવી ઝાકળ જોવા મળી શકે છે


રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવામાનની સ્થિતિ જોવામાં આવે તો 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. જેમા સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનો પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે. વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.