અમદાવાદ: ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ સોંગને ફરી એકવાર વિવાદ થયો છે. ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને આ સોંગ મુદ્દે ફરીથી કોર્ટની નોટિસ મળી છે. નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ નોટિસ મળતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતના કોપીરાઈટ મુદ્દે કિંજલને આ નોટિસ મળી છે.

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં સોંગના કોપીરાઈટ મામલે દાવો કર્યો છે. આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મામલે ફરીવાર કોર્ટમાં ખુલાસો કરવો પડશે. આ મામલે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું ફરમાન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાના યુવકની દલીલ બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આ સોંગ ગાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ સોંગ ગાવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં યુ-ટ્યુબ પરથી આ ગીતની સામગ્રી હટાવી લેવામાં આવી હતી.

કિંજલ દવેએ દાવો કર્યો હતો કે, આ સોંગ તેના તરફથી નહીં પરંતુ સ્ટુડિયોની યુ-ટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યું છે. જોકે, આ મામલે વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેની અરજી બાદ રાહત આપતાં કોમર્શિયલ કોર્ટના સોંગ ગાવા પરના પ્રતિબંધને હટાવી લીધો હતો.

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ સોંગ પર કોમર્શિયલ કોર્ટમાં કોપી રાઈટનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આ સોંગ તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપી રાઈટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુ ટ્યૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના બાદ સોંગમાં થોડા ફેરફારો કરી કિંજલ દવેએ આ સોંગ ગાયું હતું.