આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતનાં દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે અને આગામી 72 કલાકમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ ધપશે.
સામાન્ય રીતે ગુજરાતમાંથી સપ્ટેમ્બરનાં છેલ્લા વીક સુધીમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે છે. પરંતુ આ વખતે હવામાનની અત્યારની સ્થિતિ જોતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી નૈઋત્યનું ચોમાસું રહી શકે છે. આમ આ વખતે ગુજરાતમાં છેલ્લા કેટલાંક વર્ષોનું સૌથી લાંબું ચોમાસું જોવા મળી શકે છે.
અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવે તેવી શક્યતોઓ છે. વરસાદના વિધ્નએ આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે.
સોમવાર-મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 27 અને 28 તારીખે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે.
25-26 તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવગનર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત કચ્છમાં વરસાદ જોવા મળશે. ઉત્તર અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.