અમદાવાદઃ થોડા દિવસો પહેલા જ કોંગ્રેસમાં સામેલ થયેલા પાસના નેતા હાર્દિક પટેલે  ભાજપના 'મૈ ભી ચોકીદાર' કેમ્પેન સામે ટ્વિટર યુદ્ધ છેડી દીધું છે. હાર્દિક પટેલે આજે ટ્વિટર પોતાનું નામ બદલી નાખ્યું અને થોડા સમયમાં જ આ નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. હાર્દિકે ટ્વિટર પર પોતાનું નામ બદલી અને ' બેરોજગાર હાર્દિક પટેલ' કરી નાંખ્યું હતું.



કોંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધી પાછલા ઘણા સમયથી જાહેર સભામાં 'ચોકીદાર ચોર હે'નો નારો લગાવી રહ્યાં છે. તેની સામે ભાજપે શનિવારે ' મૈ ભી ચોકીદાર' અભિયાન શરૂ કર્યું હતું જેના અનુસંધાનમાં ભાજપના કાર્યકર્તાઓ અને મંત્રીઓએ તેમજ પદાધિકારીઓએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. હાલ દેશના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ પોલિટિકલ સાયબર વૉરમાં હાર્દિક પટેલે એક નવો વળાંક આપ્યો છે.



ભાજપ સામે કોંગ્રેસે બેરોજગારીને ચૂંટણી મુદ્દો બનાવી લેવાનું મન બનાવ્યું છે. આજે ઉત્તર પ્રદેશની બોટ યાત્રાએ નીકળેલા મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં બરોજગારીની જ વાત કરી હતી ત્યારે હાર્દિક પટેલે પ્રિયંકાના નકશા કદમો પર ચાલવાનો પ્રયાસ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે.