અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગને લઈને છેલ્લા 11 દિવસ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને લઈને ગાંધીનગરમાં સરકાર અને પાટીદાર ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ વચ્ચે મંગળવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સવર્ણ આયોગ, પાટીદાર અનામત, ખેડૂત મુદ્દે ચર્ચા હતી. સાથે સરકારે સમાજના અગ્રણીઓને હાર્દિકને પારણા કરાવવા વિનંતી પણ કરી.
આ બેઠકમાં 6 મુખ્ય પાટીદાર ધાર્મિક સંસ્થાઓ ઉમિયા માતા સંસ્થાન ઉંઝાના ચેરમેન પ્રહલાદભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સી કે પટેલ અને મંત્રી આર. પી પટેલ, સમસ્ત પાટીદાર સમાજ- સુરતથી લવજી ડાલિયા અને મથુર સવાણી, ઉમિયા માતાજી મંદિર-સિદસરથી જેરામભાઈ વાંસજાળિયા કાગવડ ખોડલધામ અને અમદાવાદ સરદારધામ સંસ્થાન તરફથી અગ્રણીઓ સીકે પટેલ, જેરામ બાપા અને આર.પી. પટેલ સરકારના પ્રતિનિધિઓ મંત્રી સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા સાથે ગાંધીનગર ખાતેના સ્વર્ણિમ સંકુલ ખાતે સાંજે બેઠક કરી હતી. સૌરભ પટેલ, કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ અગ્રણીઓ સાથે બેસી પાટીદાર સમાજના પ્રશ્નોનો સુખદ અંત આવે તેવી ચર્ચા કરી હતી. હાર્દિકના ઉપવાસ આંદોલનનો ટુંક સમયમાં સમાધાન થશે એવી મંત્રાણા પણ થઈ. જો કે બેઠકમાં કોઈ નક્કર વાત બહાર આવી નથી.
બેઠક બાદ સરકારના મંત્રી સૌરભ પટેલે કહ્યું કે સરકારે આ પાટીદાર સંસ્થાઓને ચર્ચા માટે લાવવામાં આવી હતી. આ સંસ્થાઓ તરફથી અનેક સૂચનો મળ્યા છે, આ સૂચનો પર આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે. હાલ હાર્દિકની સ્થિતિ જોતા અમે સંસ્થાઓને વિનંતિ કરી છે કે હાર્દિકના પારણાં કરાવે, જેમાં હાર્દિક પણ મદદ કરે.
મંત્રણામાં બાદ પાટીદાર સંસ્થાના અગ્રણી સી કે પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સરકારે તમામ મુદ્દાઓ સાંભળ્યા છે અને હકારાત્મક રિસ્પોન્સ આપ્યો છે. આ મંત્રણામાં પાટીદાર સમાજને પડતી મુશ્કેલીઓ તથા હાર્દિકના ઉપવાસના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે.