અમદાવાદઃ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના કન્વીનર ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. કેજરીવાલ અને સી.આર.પાટીલ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નિશાન તાકતા ટ્વિટ કર્યું કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. કેજરીવાલે પણ પાટીલના ટ્વિટનો જવાબ આપ્યો હતો. કેજરીવાલે ટ્વિટ કરી લખ્યું કે, ભાજપને અધ્યક્ષ બનાવવા એક પણ ગુજરાતી ન મળ્યા? મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપ અધ્યક્ષ છે. લોકો કહે છે કે, એ માત્ર અધ્યક્ષ નથી, ગુજરાત સરકાર એ જ ચલાવે છે. રિયલ સીએમ એ જ છે. આ ગુજરાતના લોકોનું ઘોર અપમાન છે. ભાજપવાળા, ગુજરાતને ગુજરાતી અધ્યક્ષ આપો.






રવિવારે ભરૂચની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા સી.આર પાટીલના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી કે, 'એમને જે મરજી હોય તે બોલતા રહે. સી.આર પાટીલને તો કોઈ પૂછતું પણ નથી. સી.આર પાટીલના કહેવાથી શું થાય છે, દિલ્હીની જનતાએ અમને ચૂંટ્યા છે, પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ચૂંટ્યા છે. આ લોકોના કહેવાથી શું થાય છે, આના પર કોમેન્ટ કરવાથી કોઈ ફાયદો નથી.'


પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, દિલ્હીના સીએમ ખાલિસ્તાની સમર્થક છે, તેઓ સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે.