AHMEDABAD : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. 


PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. 


એક બાજુ કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રીની ચર્ચાઓ થઇ રહી છે, તો બીજી બાજુ હાર્દિક પટેલના આ સ્ફોટક નિવેદનતબી કોંગ્રેસમાંથી હાર્દિક પટેલની ‘એક્ઝિટ’ અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ આ અંગે હાર્દિક પટેલે જ વધુ એક ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે તે પાર્ટીમાં જ રહેશે. હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું, 


“સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી  પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતૃત્વનો શો અર્થ! આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને કરતો રહીશ. પદના મોહતાજ નહીં પણ કામનો ભૂખ્યો છું.”






હાર્દિક પટેલના નિવેદનથી એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે શું હાર્દિક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું  પદ છોડી દેશે? આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ આપશે.