અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈ રણનીતિ ઘડવા તેના નિવાસસ્થાને એક મીટિંગ યોજાઈ હતી. જેમાં હાર્દિકે તેના સાથીઓ સાથે 25 મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જે બાદ મીડિયા સાથે વાતચીમાં જણાવ્યું કે, 25 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગે ઉપવાસ શરૂ થશે. આંદોલનમાં 140 ગામડાંઓમાંથી ખેડૂતો ઉપવાસ સ્થળે થશે. બહારના રાજ્યના રાજનેતાઓ પણ આ આંદોલનમાં આવશે.


હાર્દિકે કહ્યું કે, જો જેલમાં મોકલવામાં આવશે તો હું જેલમાં પણ ઉપવાસ કરીશ. આંદોલનને લઈ ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોને સહયોગ આપવા માટે પત્ર લખવામાં આવશે. ઉપવાસ સ્થળે ગુર્જરો અને મરાઠાઓ પણ આવશે.

તેણે એમ પણ કહ્યું કે, જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. 15થી 18 ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ.

હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ માટે નિકોલ વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાઉન્ડ ન ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે પૂર્વ અમદાવાદના એસ્ટેટ અધિકારીઓ પાસે મંગાવેલી માહિતી બાદ નિર્ણય લેવામાં આવશે. હાલ એએમસી દ્વારા ઉપવાસ માટે ગ્રાઉન્ડ આપવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 25મી ઓગસ્ટે ઉપવાસ થઈને જ રહેશે. પોલીસ મંજૂરી નહી આપે તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે. તેમજ અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને જ્યાં ઝૂકવુ પડશે ત્યાં ઝૂકીશું.