અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કાળઝળ ગરમી શરૂ થઈ ગઈ છે. અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. છેલ્લા એક અઠવાડીયાથી સતત ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રવિવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.

આ સિવાય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદમાં આગામી એક અઠવાડીયા સુધી ગરમી ઘટવાની શક્યતાઓ નહીંવત છે. અમદાવાદમાં હજુ ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહીં છે. અમદાવાદમાં બપોર બાદ માર્ગો સૂમસામ થઈ ગયા હતા તો લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે અમદાવાદમાં કેટલાક ડામરના રસ્તા પણ ઓગળી રહ્યા છે.

બીજી તરફ ગરમીમાં ઠંડક આપતાં ઠંડા પીણામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. તરબૂચ અને જ્યુસ તેમજ કોલા સેન્ટરો બિલાડીના ટોપની જેમ ધમધમી ઊઠ્યાં છે. મોડી રાત સુધી લોકો લસ્સી અને બરફના સેન્ટરો ઉપર જોવા મળી રહ્યાં છે. હજુ આગામી એક અઠવાડીયા સુધી આ કાળઝાળ ગરમી સહન કરવી પડશે.