હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય જોતાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 2 દિવસ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
શનિવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડ્યાં હતા. પરંતુ, વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત 8 શહેરોમાં પારો 34.0 ડિગ્રી પાર કરી જતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધીને 34.5 ડિગ્રી અને લઘુત્તમ તારમાન 2.6 ડિગ્રી વધીને 27.4 ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 35.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સુરત, વલસાડ, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની વકી છે.
હવામાન એજન્સી સ્કાયમેટના કહેવા પ્રમાણે, 23 વર્ષમાં આ વખતે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થયો, જે સામાન્યથી 16% વધુ છે. જૂનમાં સામાન્યથી 33% ઓછો અને જુલાઈમાં સામાન્યથી 5% વધુ વરસાદ નોંધાયો. જુલાઈ અને ઓગસ્ટને જોડીએ તો છેલ્લાં 25 વર્ષમાં આ બે મહિનામાં સૌથી વરસાદ થયો, જે સામાન્યથી 10% વધુ છે. દેશના 84% હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ થયો છે.