અમદાવાદ શહેરમાં વધેલી ગરમી અને ભારે ઉકળાટ બાદ આજે સાંજે વરસાદી માહોલ છવાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મોડી સાંજે વાદળછાયું વરસાદી વાતાવરણ થયા બાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સીઝનનો પહેલો વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા અને પવન સાથે શહેરમાં વરસાદનું આગમન થયું હતું. વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ શરુ થયા બાદ શહેરના રસ્તાઓ પાણી-પાણી થયા હતા.


શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદઃ
પશ્ચિમ અમદાવાદના સાયન્સ સીટી, બોપલ, શેલા, ગોતા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈ શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તો અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ, બાપુનગર, મણીનગર, ઓઢવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થતાં અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે આજે રાત્રે આવેલા વરસાદથી અમદાવાદ શહેરના લોકોને બફારાથી રાહત મળી છે. 


શહેરમાં આવેલા પહેલા વરસાદમાં જ એએમસીની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. શાંતિનગર સર્કલ પાસે પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. શાંતિનગર સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રહિશોનો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીમાં વાહનો ગરકાવ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી


ગાંધીનગર:  અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે.  હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત ,સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદ,ખેડા,અને આણંદમાં વરસાદની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે.  14 અને 15 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,તાપી, વલસાડ,ડાંગ સહિતના અન્ય વિસ્તારમાં  વરસાદ વરસી શકે છે. દમણ અને દીવમાં વરસાદની સંભાવના છે.