અમદાવાદઃ હાલ દારુબંધીને લઈ પોલીસ જ વિવાદમાં આવી રહી છે અને રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ પોલીસ ઉડાવી રહી છે. પાછલા ઘણા સમયથી દારુના નામે પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. વાત એમ છે કે, અમદાવાદ શહેર પોલીસના જવાનો નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની પોલીસ ચોકીમાં જ દારુ પીતાં ઝડપાયા છે.


એબીપી અસ્મિતાને માહિતી મળી હતી કે સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં ખુલ્લેઆમ દારુની પાર્ટી થઈ રહી છે. આ બાતમીની તપાસ કરવા માટે એબીપી અસ્મિતાની ટિમ જાત તપાસ માટે આ ચોકી પર પહોંચી હતી જ્યાં બાતમી સાચી પડી હતી. સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં ખુલ્લેઆમ દારૂ પિતા પોલીસ કર્મચારીઓ ઝડાપાયા હતા. આમ રાજ્યમાં દારુબંધીના કાયદાનો ખુદ પોલીસ જ ભંગ કરતાં રંગે હાથ ઝડપાયા હતા. એબીપી અસ્મિતાના રિપોર્ટર જ્યારે પોલીસ ચોકીમાં પહોંચ્યા ત્યારે દારુની બોટલ સાથે પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા. આ સાથે પોલીસ ચોકીમાંથી દારુની બોટલ ઝડપાઈ હતી. 


પોલીસ કર્મીઓ સામે થશે કાર્યવાહીઃ
મહત્વનું છે કે, સરદાર પટેલ સ્ટેડિયમ પોલીસ ચોકી ટ્રાફિકથી વ્યસ્ત રહેતા સીજી રોડ પર આવેલી છે. આ સીજી રોડ પર લોકોની અવર-જવર સતત રહેતી હોય છે. આ પહેલાં પણ રાજ્યમાં ઘણી જગ્યાએથી પોલીસ દારુનો વહિવટ કરતી હોય તેવા બનાવ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં પણ પોલીસ જ દારુની મહેફિલ કરતી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે  એબીપી અસ્મિતા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "અમદાવાદ પોલીસ દારુબંધીનો અમલ કરાવવા માટે કામ કરી છે. દારુબંધીના કાયદાનો ભંગ કરનારા આવા પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરનાં પગલાં લઈશું."


જુઓ વીડિયોઃ


અમદાવાદઃ રાજ્યમાં દારુબંધીના ધજાગરા, પોલીસ ચોકીમાં જ ચાલતી હતી દારુપાર્ટી, જુઓ વીડિયો