અમદાવાદઃઅમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ શહેરના શીલજ, ગોતા, સાયન્સ સિટી, ઘુમા, નવા વાડજ, એસ.જી હાઈવે, ચાંદખેડા, ગોતા, રાણીપ, થલતેજ, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ગીજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાત્રે વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે પવન અને વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.



તે સિવાય મહેસાણામાં  ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મહેસાણામાં ફક્ત બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ગાંધીનગર અને નડિયાદમાં પણ રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તે સિવાય વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો.



વડોદરાના છાણી, ટીપી 13, ગોરવા, સમાં, ઉન્ડેરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે છાણી, ટીપી 13 માં વીજ પુરવઠો ખોરવાયો હતો.