અમદાવાદઃ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. હાલ ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે અમદાવાદમાં પણ વરસાદનુ આગમાન થશે. આગાહી છે કે, અમદાવાદમાં આગામી 6-8 જુલાઇ દરમિયાન ધોધમાર વરસાદ પડશે.


આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.



અમદાવાદ અને ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી. બી. દુબે જણાવે છે કે, અમદાવાદમાં વરસાદ માટે લોકોએ હજુ ચારથી પાંચ દિવસ રાહ જોવી પડશે. હાલમાં સમગ્ર દેશમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં વરસાદ પડતો ન હોવાથી ચોમાસું જામ્યું નથી. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિશેષજ્ઞે જણાવ્યું કે, 5 જુલાઇએ ઝારખંડ અને ઓરિસ્સામાં મજબૂત લો-પ્રેશર સક્રિય થશે અને આ લો-પ્રેશર મધ્ય અને પશ્ચિમ ભારતનાં વિવિધ વિસ્તારો તરફ આગળ વધશે, જેથી 6થી 8 જુલાઇ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ખેંચી લાવશે.