અમદાવાદઃ અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, ન્યુ રાણીપ, ઘાટલોડીયા, જીવરાજપાર્ક , નારોલ, નરોડા, બાપુનગર, રાણીપ, શાહીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોપલ, ઘુમા, રામદેવનગર, પ્રહલાદનગર, એસ.જી.હાઈવે, ગોતા, સોલા, રાણીપ, નારણપુરા સહિતના વિસ્તારમાં પડતાં ભરાયા ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા.
વરસાદના કારણે શાહીબાગ, અખબારનગર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હવામાન વિભાગે 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદને કારણે નવરાત્રીના આયોજકોમાં ચિંતા વ્યાપી છે. શહેરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવરાત્રીમાં પણ વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જો હજુ પણ ભારે વરસાદ પડશે તો ખેતીને નુકસાન થશે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.