8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે જોકે થોડીવાર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જેને કારણે નોકરી અને સ્કુલમાં જઈ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે અમદાવાદમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના નારોલ, નરોડા, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, ઓઢવ, વટવા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં 9 અને 10 ઓગસ્ટના 48 કલાક દરમિયાન અમદાવાદમાં 100થી 150 મીમી એટલે કે 5થી 8 ઈંચ વરસાદ ખાબકવાની શક્યતા જોવા મળી રહી છે. આ ઉપરાંત કલાકના 25થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.