અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે. 


પશ્ચિમઝોનમાં વરસાદી ઝાપટું


અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમાં વરસાદી ઝાપટું પડ્યું છે.  આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજમાં વરસાદી માહોલ જામ્યો છે.  હળવાથી મધ્યમ ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 


અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આંબાવાડી, પરિમલ ગાર્ડન અને પાલડી વિસ્તારમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. શહેરમાં સામાન્ય વિસ્તારમાં જ અનેક જગ્યાએ પર પાણી ભરાઈ ગયા છે.  પંચવટી સર્કલ નજીક વરસાદના કારણે પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં અનેક વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટા પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 



રાજ્યમાં વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


26 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતનાં અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.   27 સપ્ટેમ્બરના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ  સિવાય અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.   


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.