અમદાવાદ: ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર ગયેલું વાવાઝોડું ‘વાયુ’ હજુ પણ ટળ્યું નથી. ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠાના વિસ્તારમાં વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે. જોકે વાયુ નબળું પડવાના કારણે હવે આગામી 17મી જૂને સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ‘વાયુ’ વાવાઝોડાના કારણે આગામી 17મી જૂન સુધી કચ્છમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ‘વાયુ’ વાવાઝોડું પોરબંદરથી 260 કિમી દૂર દક્ષિણ પશ્ચિમે છે, હવે આ વાવાઝોડુ ધીરે ધીરે નબળું પડશે અને 17મી સાંજે સુધી તેના કારણે કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 18મી જૂને આ ડિપ ડિપ્રેશન ગુજરાતના ઉપર ભાગેથી પસાર થશે તેથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠ, પાટણ જિલ્માંલામાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

દેશના હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ ડિપ ડિપ્રેશનમાં પરાવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. આ આગાહીના પગલે કચ્છ કલેક્ટરે નાગરિકોને સાબદા રહેવા માટે અપીલ કરી છે.

અગાઉ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે અને તારીખ 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે, ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઈ રહી છે.