અમદાવાદ: આજે સવારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જેના કારણે સ્થાનિકો અને પરિવારમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, વિદ્યાર્થિની વસ્ત્રાલની માધવ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સ્થાનિકોએ રોષમાં આવીને પોલીસની ગાડી અને ટ્રક પર પણ પથ્થરમારો કર્યો હતો.

અમદાવાદના એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે વિદ્યાર્થિની શાળાએ જઈ રહી હતી તે દરમિયાન ટ્રકની અડફેટે આવી જતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે સાયકલ પર જતી વિદ્યાર્થીનીને ટક્કર મારતાં વિદ્યાર્થિની નીચે પટકાઈ હતી. તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ રોષનાં પગલે રોડ ચક્કાજામ કરી દીધો હતો.

ટ્રાફિક અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ફરાર ટ્રક ચાલકને પકડવાનાં પ્રયાસ હાથ ધર્યા છે.