મોડી રાતે અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે અમદાવાદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમુક જગ્યાએ ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો.
એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતાં. 100થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતાં અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત કેટલાંક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ પણ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા હતા.
અમદાવાદના સરખેજમાં 4 ઈંચ, દૂધેશ્વરમાં 2.25 ઈંચ, મેમ્કોમાં 2 ઈંચ, બોડકદેવામાં 2 1.5 ઈંચ, રાણીપ-ઉસ્માપુર-ચાંદખેડા-ગોતામાં 1.5 ઈંચ, કોતરપુરમાં 1.25 ઈંચ, વટવામાં 1.25 ઈંચ, નરોડા 1 ઈંચ અને પાલડી 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.