ગુરૂવાર સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે આનંદનગર રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ઓઢવમાં 1 ઈંચ, વિરાટ નગરમાં દોઢ ઈંચ, પાલડી-ઉસ્માનપુરામાં 1-1 ઇંચ, સરખેજ, મેમ્કો, દુધેશ્વર, રાણીપમાં 2-2 ઈંચ, ચાંદખેડા, અડધો ઈંચ, મણિનગરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ જિલ્લામાં બુધવારે ધંધૂકા અને વિરમગામમાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ધોલેરામાં પોણો ઈંચ, તેમજ માંડલ અને ધોળકામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ગુજરાતમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે.