અમદાવાદઃ બંગાળની ખાડીનાં લો-પ્રેશરની સર્જાતા ઉત્તર-પૂર્વીય મધ્યપ્રદેશની સાથે પૂર્વીય રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનીક સરક્યુલેશન ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે, આગામી ત્રણ દિવસ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે જ્યારે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીના લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોથી રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રીય થયુ છે અને છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સક્રીય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનથી ભારે પવનો વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદનું જોર પડશે.

જોકે આગામી ત્રણ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ 28 જુલાઇથી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવોથી ભારે વરસાદ ચોમાસાની સિઝનમાં રાજ્યની 41 ટકા વરસાદની ઘટ પુરી કરે તેવી શક્યતા છે.

28 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દાહોદ, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને દમણમાં ભારે તેમજ મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

29 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

30 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, નવસારી, વલસાડ અને દમણ તેમજ સોરાષ્ટ્રનાં સુરેન્દ્નનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ જોવા મળશે.

31 જુલાઇથી 1લી ઓગસ્ટ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસારી અને દમણ, મોરબી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ ડાંગ અને દમણમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે.