આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહીના લીધે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સમગ્ર વિસ્તારોને તળબોરે તેવી સંભાવના છે. હવામાન વિભાગના પ્રમાણે સુરત, તાપી, નર્મદા અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ અને અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પહેલાથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. પરંતુ તાપી જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતો અને લોકોએ હાશકારો અનુભવ્યો છે.
બીજી બાજુ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી શકે છે. જેના લીધે માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું છે.
હવામાન વિભાગના મતે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણાં લાબાં સમયથી અમદાવાદમાં વરસાદ પડ્યો નથી. જેના કારણે લોકો ગરમીમાંથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ હવામાન વિભાગે બે દિવસની આગાહી કરતાં લોકો વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે.
આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામન્યથી મધ્યમ વરસાદ રહેશે. બે દિવસ સુરત, તાપી, નર્મદા અને પંચમહાલમાં ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઇ છે.