અમદાવાદ: ‘ક્યાર’ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે આગામી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. જેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના તહેવારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા હતાં. જોકે વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો પરંતુ તેની અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે.

‘ક્યાર’ વાવાઝોડાને કારણે અમદાવાદ સહિત ગુજરાતના હવામાનમાં મોટો પલ્ટો આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠેક-ઠેકાણે ઝરમર-ઝરમર વરસાદ ખાબક્યો હતો. જોકે દક્ષિણ ગુજરાતના અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય પર ક્યાર વાવાઝોડાની અસર વર્તાશે તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ સિવાય અમદાવાદ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા થવાની સંભાવની વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ભલે ઓમાન-યમનની ખાડી તરફ ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાતના દરિયા કિનારા પર તેની અસર જોવા મળી રહી છે.

દરિયા કિનારા પર 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને માછીમારોને 31 સપ્ટેમ્બર સુધી દરિયો ના ખેડવાની સૂચના આપી દેવાઈ છે. હજુ 31 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.