અમદાવાદ: મોહમ્મદ નબી બક્શના સુપર-10ના દમ પર બંગાળ વૉરિયર્સે શનિવારે પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનના રોમાંચક મુકાબલામાં દબંગ દિલ્હીને 39-34થી હરાવી પ્રથમ વખત ખિતાબ જીતી લીધો હતો. બંને ટીમોએ પ્રથમ હાફમાં 17-17થી બરાબર પર હતી, પરંતુ બંગાળે બીજા હાફમાં વાપસી કરતા 39-34થી મેચ જીતી પ્રથમ વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.


દિલ્હીની ટીમ પ્રથમ પાંચ મિનિટ સુધી 7-2થી આગળ હતી. દિલ્હીને બાદમા આગામી મિનિટમાં જ બંગાળને ઓલ આઉટ કરી 11-3થી લીડ મેળવી લીધી હતી. આગામી 10 મિનિટમાં બંગાળે વાપસી કરી અને દિલ્હીને ઓલ આઉટ કરી સ્કોર 14-15 કરી દિધો હતો. બંગાળની ટીમ હવે માત્ર એક અંકથી પાછળ હતી અને 18મી મિનિટે તેણે 16-16થી બરાબરી મેળવી હતી.

ત્યારબાદ બંગાળે પ્રથમ વખત મેચમાં લીડ મેળવી લીધી હતી. પરંતુ દિલ્હીએ પણ એક અંક લઈને સ્કોર 17-17થી બરાબર કર્યો હતો. પ્રથમ હાફ સુધીમાં દિલ્હીના નવીન કુમારે 6 અને બંગાળના મોહમ્મદ નબી બક્શે 7 અંક મેળવ્યા.

બીજા હાફની પ્રથમ પાંચ મિનિટ સુધી બંને ટીમો 19-19ની બરાબરી પર હતી. બાદમાં બંગાળે દિલ્હીને ઓલ આઉટ કરી 25-21 લીડ મેળવી હતી. મેચ પૂર્ણ થવામાં આઠ મિનિટ બાકી હતી બંગાળે દિલ્હીને ફરીથી ઓલઆઉટ કરી 10 પોઈન્ટની મહત્વપૂર્ણ લીડ મેળવી સ્કોર 34-24 સુધી પહોંચાડી દિધો હતો. બંગાળે પોતાની લીડ કાયમ રાખતા દિલ્હીને વાપસીની તક ન આપતા 39-34થી મેચ જીતી પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.