અમદાવાદઃ ઘણાં વર્ષો બાદ આ વખતે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લેતું. હાલ ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે જોકે વરસાદ બંધ થવાનું નામ લેતું જ નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં 13 અને 14 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડ તેવી સંભાવના છે.

હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે, અપર એર સાયક્લોન ડિસ્ટર્બન્સના કારણે 13 અને 14 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે. મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર સહિત અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસ બાદ ‘મહા’ વાવાઝોડાની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ખેડૂતોએ રવિ સિઝન માટે વાવણીની તૈયારી કરી દીધી છે. જોકે હવામાનમાં પલટાની આગાહીથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.