Gujarat Rain: રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.

ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે

છેલ્લા બે દિવસથી ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, સતત પાણીની આવક વધતા નીચાણવાળા 17 જેટલા વિસ્તારોને એલર્ટ અપાયુ છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 અને 20 જૂને સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. રાજસ્થાન પર લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા

રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા  છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

બીજી ગઇકાલે બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. બરવાળા,રાણપુર, ગઢડામાં ધોધમાર વરસાદના કારણે  જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં બોટાદ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. જ્યોતિગ્રામ સર્કલ પાસે તો ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યહાર બંધ કરવો પડ્યો હતો. સચિન વિલા સોસાયટીમાં પાણી ભરાતા ટ્રેક્ટરથી રહીશોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.