મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
અમદાવાદના પૂર્વ ઝોનમાં 39 MM, પશ્ચિમ ઝોનમાં 20 MM, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 25 MM, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 32 MM, મધ્ય ઝોનમાં 23 MM, ઉત્તર ઝોનમાં 20 MM, દક્ષિણ ઝોનમાં 45 MM વરસાદ પડ્યો છે. સાથે જ શહેરમાં સરેરાશ 28.90 MM વરસાદ નોંધાયો છે. રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ સાથે અમદવાદ શહેરમાં સિઝનનો કુલ 100 MM વરસાદ નોંધાયો છે.
સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે.
અમદાવાદ વરસાદી માહોલ વચ્ચે ઝાડ પડવાના અનેક બનાવો નોંધાયા છે. ફાયર બ્રિગેડને આખી રાત આ અંગે કોલ મળ્યાં હતાં. રાત દરમિયાન ફાયર બ્રિગેડને 10થી વધુ કોલ મળ્યાં છે. શહેરમાં 15થી વધારે જગ્યાએ ઝાડ પડવાના બનાવ નોંધાયા છે. જેમાં ચાણક્યપુરી, મેમનગર, નારોલ-ઇસનપુર રોડ, ગોળ લીમડા, ખાનપુર, ભુલાભાઈ ચાર રસ્તા, ગોતા ફલાયઓવર, કાંકરિયા, શાહીબાગ પોલીસલાઈન, વેજલપુર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ઝાડ પડ્યાં છે.