અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. કાતિલ કોરોનાએ હાઈકોર્ટના જસ્ટિસનો ભોગ લીધો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. જસ્ટિસ જી.આર.ઉધવાણી છેલ્લા 15 દિવસથી સાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન કોરોનાથી જસ્ટિસ ઉધવાણીનું નિધન થયું છે.


ઉલ્લેખનીય છે કે 16 દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી. આર. ઉધવાણી, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ આર. એમ. સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ રજિસ્ટ્રીના સંખ્યાબંધ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. શુક્રવારે 24 કલાકમાં ફરી 1510 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે. રાજ્યમાં શુક્રવારે કુલ 1627 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.