કોરોનાને લઈને અમદાવાદ રિવરફ્રન્ટ પર ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, કયા-કયા અધિકારીઓ હતાં હાજર? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2020 09:21 AM (IST)
કોરોના વાયરસના બે પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સેલ્ફ હોમ ક્વોરન્ટાઈન થયા છે અને હાલ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધતાં જતાં કેસ બાદ ઉચ્ચ અધિકારીઓની રિવરફ્રન્ટ પર મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અંગત સચિવ કે.કૈલાસનાથન, અમદાવાદના ઓએસડી મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ઓએસડી રાજીવ કુમારની ખાસ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાને કાબૂમાં લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી છે. કોરોના વાયરસના બે પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સેલ્ફ હોમ ક્વોરન્ટાઈન થયા છે અને હાલ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાને નિમવામાં આવ્યા છે. કોરોના વાયરસને લગતી તમામ સારવાર માટેની સુવ્યવસ્થા, સંકલન અને સુપરવિઝન માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની નિમણૂંક કરાઈ છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. મુખ્ય સચિવથી લઈને કૈલાસનાથન સહિતના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા અને ભવિષ્યની રણનીતિ ઘડી હતી.