World Cup 2023 India vs Pakistan: વર્લ્ડ કપમાં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. અહીં ભારત-પાક મેચને કારણે હોટલના રૂમની કિંમત એક લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 15 ઓક્ટોબરે યોજાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચના કારણે અમદાવાદમાં હોટલના રૂમના ભાવ અનેક ગણા વધી ગયા છે. એક અહેવાલ મુજબ અમદાવાદમાં હોટલના રૂમના દર એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. અગાઉ તેમાં 50 હજાર રૂપિયા સુધીનો વધારો થયો હતો. પરંતુ ગુરુવારે આવેલા સમાચારે ચાહકોને મોટો આંચકો આપ્યો છે.


કેટલીક હોટેલોએ તો એક દિવસ માટે રૂમના ભાડામાં દસ ગણો કે તેથી વધુ વધારો કર્યો છે. વિવિધ હોટેલ બુકિંગ વેબસાઈટ પર દર્શાવવામાં આવી રહેલી કિંમતો પરથી અંદાજ લગાવી શકાય છે કે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ માટે હોટલના રૂમની અભૂતપૂર્વ માંગ છે.


વર્લ્ડ કપ 2023ની કુલ પાંચ મેચ અમદાવાદમાં રમાવાની છે. ભારત-પાક મેચની સાથે સાથે અહીં ફાઈનલ મેચ પણ રમાશે. આ કારણોસર હોટલ રૂમના દરમાં વધારો થયો છે. એનડીટીવી પર પ્રકાશિત એક સમાચાર અનુસાર, 15 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન મેચને કારણે રૂમના ભાડામાં 10 ગણો વધારો થયો છે. લગભગ એક લાખ રૂપિયામાં એક દિવસ માટે રૂમ મળી રહ્યા છે.


અમદાવાદમાં સામાન્ય દિવસોમાં લક્ઝરી હોટલના રૂમ 5 થી 8 હજારની વચ્ચે ઉપલબ્ધ છે. પરંતુ હવે આ દર 40 હજારથી એક લાખની વચ્ચે પહોંચી ગયો છે. Booking.com અનુસાર, 2 જૂલાઈના રોજ એક લક્ઝરી હોટલના રૂમની કિંમત 5,699 રૂપિયા હતી. પરંતુ 15 ઓક્ટોબરે આ જ હોટલના રૂમનો દર 71,999 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ સામાન્ય દિવસોમાં અન્ય હોટલના રૂમનું ભાડું 8 હજાર રૂપિયા છે. પરંતુ આ મેચના દિવસ માટે 90679 રૂપિયા ચૂકવવા પડશે.


ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. અહીં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. 4 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે. 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ પછી ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.


હયાત રીજન્સી અમદાવાદના જનરલ મેનેજર પુનીત બૈજલે જણાવ્યું હતું કે મોટાભાગની ફાઇવ સ્ટાર હૉટલોમાં મેચના દિવસો માટે 60-90 ટકા રૂમ બુક થઇ ચૂક્યા છે. લગભગ 80 ટકા રૂમ મેચના દિવસો માટે રૂમો બુક થઇ ચૂક્યા છે. બેઝ ક્લાસ રૂમ લગભગ 52,000 રૂપિયા અને પ્રીમિયમ ક્લાસ રૂમ 1 લાખ રૂપિયા અને તેનાથી વધુમાં બુક થઇ રહ્યાં છે.