અમદાવાદઃ ઓમિક્રોનના ખતરા વચ્ચે અમદાવાદમાં કોરાનાના વાયરસથી સંક્રમિત દર્દીઓ મુશ્કેલી વધારી શકે છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ આઈસોલેશનમાં રહેવાના બદલે ભાગી રહ્યા હોય એવી ઘટનાઓ વધી રહ્યા છે અને તેમના કારણે અણદાવાદમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બે દિવસમાં નવ નાગરિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોરોના પોઝિટિવ હોવા છતાં આઇસોલેશનનો ભંગ કરાતા ફરિયાદ થઈ છે.


સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, એપેડેમીક એક્ટ હેઠળ ત્રણ દિવસમાં નવ લોકો સામે ગુન્હો નોંધાયો છે. આ પૈકી 7 ડિસેમ્બરના રોજ મણિનગરના દર્દી સામે પોલીસ ફરિયાદ થઈ હતી. 8 ડિસેમ્બરના રોજ મણિનગરના દર્દી સામે પોલીસ ફરિયાદ થઈ હતી. 9 ડિસેમ્બરના રોજ ચાંદખેડાના ચાર,વાસણા વિસ્તારના એક અને મણિનગરના ત્રણ દર્દીઓ સામે પોલીસ ફરિયાદ થઈ હતી.


બીજીતરફ કોરોનાનો નવો અને સૌથી ઝડપી ફેલાતો વેરિયેન્ટ ઓમિક્રોને ગુજરાતમાં દેખા દઈ દીધી છે.  જેને લઈને આરોગ્ય સહિત વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી હોસ્પિટલોની સાથે ગાંધીનગર સિવિલમાં પણ ઓમિક્રોનનો અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. અહીં હાઈરીસ્ક ૧૧ દેશોમાંથી આવેલા પોઝિટિવ મુસાફરોને દાખલ કરીને સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત અહીં કવોરેન્ટાઈનની સગવડ પણ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ આ પ્રકારની સવલતો ઉભી કરાઈ છે.


વિદેશમાં હાલ કોરોનાનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહયો છે. દક્ષિણ આફ્રિકા, ન્યુઝિલેન્ડ, ઝીમ્બાબ્વે તથા યુરોપિયન દેશો અને સીંગાપોરમાં પણ આ ઓમિક્રોનના કારણે હજારો લોકો પ્રભાવિત છે ત્યારે આ પ્રભાવિત થયેલા ૧૧ દેશોમાંથી ભારતમાં આવતાં મુસાફરોને રોકવા ખુબ જ મુશ્કેલ છે. તેવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે જેના અનુસંધાને એરપોર્ટ ઉપર જ તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ થઈ જાય છે.