Ahmedabad News: ભારતીય નાગરિકત્વને લગતો મહત્વનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો છે. વિદેશમાં જન્મેલા બાળકના માતા પિતા ભારતીય નાગરિકત્વ છોડે તો તેનાથી વિદેશમાં જન્મેલા બાળકનું ભારતીય નાગરિકત્વ રહે કે નહીં તે હાઇકોર્ટ નક્કી કરશે. કાયદા પ્રમાણે વિદેશમાં બાળકના જન્મ સમયે માતા પિતા ભારતીય નાગરિક હોય તો બાળક ભારતીય નાગરિક ગણાય, પણ જો માટે પિતા ભારતીય નાગરિક ના રહે તો બાળકનું નાગરિકત્વ ભારતીય તરીકે રહે કે નહિ? એ કોર્ટ કરશે નક્કી

શું છે મામલો


ઓસ્ટ્રેલિયામાં જન્મેલા બાળકના માતા પિતા ભારતીય નાગરિક હતા. જન્મના એક મહિનામાં જ ઓસ્ટ્રેલિયામાં બાળકનો ભારતીય પાસપોર્ટ ઇશ્યુ થયો હતો અને પાંચ વર્ષ બાદ પાસપોર્ટ રીન્યુ પણ કરાયો હતો. બાળકના માતા પિતાએ કેનેડાનું નાગરિકત્વ સ્વીકાર્યા બાદ બાળકને ભારતીય પાસપોર્ટ રિન્યુ કરી આપવા પાસપોર્ટ અધિકારીએ ઇનકાર કર્યો હતો. પાસપોર્ટની અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેને લઈ હાઇકોર્ટે વિદેશ મંત્રાલય પાસે ખુલાસો માંગ્યો છે અને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.


તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી  કે છેલ્લા ત્રણ વર્ષમાં 4,74,246 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશોની નાગરિકતા મેળવી ત્યાં સ્થાયી થયા છે. જ્યારે ચાલુ વર્ષ 2023માં જૂન મહિના સુધી કુલ 87,026 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નનો લેખિતમાં જવાબ આપ્યો હતો.


લોકસભા સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે વિદેશ મંત્રીને પૂછ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. ઉપરાંત, તેઓએ કયા દેશોની નાગરિકતા મેળવી છે. નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા 12 વર્ષમાં સૌથી વધુ છે?


કેટલા લોકોએ છોડી નાગરિકતા


આ પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે 2020માં 85,256 ભારતીયોએ, 2021માં 1,63,256 અને 2022માં 2,25,620 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. જ્યારે જૂન 2023 સુધીમાં આ સંખ્યા 87,026 છે. એસ જયશંકરે કહ્યું કે છેલ્લા બે દાયકામાં મોટી સંખ્યામાં ભારતીયો વૈશ્વિક કાર્યસ્થળો શોધી રહ્યા છે. આમાંથી ઘણા લોકોએ અંગત સગવડતાના કારણે અન્ય દેશોની નાગરિકતા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે આ અંગે સંજ્ઞાન લીધું છે અને મેક ઈન ઈન્ડિયાની આસપાસ આવા ઘણા પ્રયાસો કર્યા છે, જેથી કરીને તેમની પ્રતિભા દેશોમાં જ વિકસિત થઈ શકે. તેમણે કહ્યું કે સરકારે કૌશલ્યો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે.


નાણામંત્રીએ કહ્યું કે વિદેશમાં રહેતો ભારતીય સમુદાય આ દેશ માટે એક સંપત્તિ છે. સરકારે ભારતીય સમુદાય સાથે જોડાણ કરવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે. એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી ભારતીય સમુદાયનો અર્થ ભારત માટે ઘણું છે. તેમણે કહ્યું કે સરકારનો અભિગમ આ ડાયસ્પોરાના નેટવર્કનો ઉપયોગ ભારતને ફાયદો કરાવવાનો છે.


ભારતીયોએ કુલ કેટલા દેશની નાગરિકતા મેળવી


વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીયોએ કુલ 130 દેશોની નાગરિકતા મેળવી છે, જેમાં અમેરિકા, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, સ્વીડન, પોર્ટુગલ, ઈઝરાયેલ, બહામાસ જેવા દેશોનો સમાવેશ થાય છે.