પોલીસ કર્મચારી અધિકારીઓના ઝોન વાઈસ ટેસ્ટ શરૂ કરાતા કોરોનાના કેસો મળી રહ્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેકટર સહિત 10 પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત નીકળતા હોમ કોરોંટાઈન કરાયા છે.
હાલમાં 120 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત જ્યારે પોલીસ સંક્રમિત થવાનો આંક 1 હજારને પાર કરી ગયો છે. તો અત્યાર સુધીમાં 11 પોલીસ કર્મચારીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ તરફ પોલીસની તંદુરસ્તી વધારવા મુંબઈની સેવાભાવી સંસ્થાના 60થી વધુ વોલિંટિયર્સ અમદાવાદ આવ્યા છે. આ કાર્યકરો કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીઓનો સંપર્ક કરી તેને સધિયારો આપી રહ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1512 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,803 એક્ટિવ કેસ છે, જ્યારે 1,93,938 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,720 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,12,769 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1570 દર્દી સાજા થયા હતા અને 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 79,63,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,29,531 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 173 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.