અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં પૂર્વ પતિ અને ભાજપના નેતા એવા પતિના ભાઈના ત્રાસથી કંટાળીને પરણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તે પણ એક નહી પણ બે વાર! પહેલા ઝેરી ગોળીઓ ખાધી અને ત્યારબાદ ગળે ફાંસો ખાઈ પરણીતાએ આપધાતનો પ્રયાસ કર્યો.જે મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પરિવારજનોના ત્રાસથી પરિણીતા આપઘાત કરવામાં મજબૂર બની


અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતી હિરલ પરમાર નામની પરણીતાએ એક નહીં પરંતુ બે વાર આપધાતનો પ્રયાસ કર્યો. ફરિયાદી પરણિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો પુર્વ પતિ રાજન ઉર્ફે રાજા વેગડા તથા તેનો ભાઈ અક્ષય વેગડા કે જે ખોખરા ભાજપ વોર્ડમાં પ્રમુખ છે, તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો. મોટી વાત તો એ છે કે આરોપી રાજને ફરિયાદીને અંધારામાં રાખીને તૃષા નામની યુવતી સાથે બારોબાર બીજા લગ્ન કરી લીધા હતા.આરોપી રાજનના બન્ને લગ્ન થકી સંતાન થયા હતાં. આમ પરિવારજનોના ત્રાસથી પરિણીતા આપઘાત કરવામાં મજબૂર બની.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હિરલ પરમારે રાજન સાથે સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. જોકે રાજને હિરલને અંધારામાં રાખી, તૃષા નામની અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે માનસિક અને શારીરિક ત્રાસ આપીને આરોપીઓ હિરલને રાજનથી છુટા થઈ જવા દબાણ કરી રહ્યા હતા. મોટી વાત તો એ છે કે રાજન હિરલને ધમકી આપતો કે અગાઉ તે બે મર્ડર કરી ચૂક્યો છે જેથી વધુ એક મર્ડર કરતા વાર નહી લગાડે ! સાથે જ રાજનનો ભાઈ અક્ષય પણ ધમકી આપતો કે તે ભાજપનો પ્રમુખ છે.જેથી કોઈ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જેથી પરણીતાએ અંતિમ પગલું લેવાની ફરજ પડી.જેનો ફરિયાદી પરણીતાને સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.


આરોપી રાજન અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતો. જેની વિરૂદ્ધ રાધનપુર અને શખેશ્વર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ દાખલ થઈ ચૂકેલ છે જ્યારે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોધાઈ થઈ ચૂકી છે. પોલીસે આરોપી અને તેના ભાઈની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.