ભાવનગર: જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા મૂળ ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવ દેહને મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. અહીં શહીદ દિલીપસિંહના પરિવારજનો અને રાજકારણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ પર આવેલા શહીદના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો અને જ્યાં શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
શહીદ થયેલ જવાનનો પરિવાર હાલ કાશ્મીરમાં સ્થાયી થયેલો છે. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભાવનગરનાં દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા હતા. તેઓ વલ્લભીપુરનાં કાનપર ગામનાં રહેવાસી હતા.
જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ ડોડીયા આર્મીનાં જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. તે સમયે તેમની વાન કોઈક કારણોસર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે દિલીપસિંહ ડોડીયાને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જોકે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.
શહીદ દિલીપભાઇ ડોડીયાનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે અને તેમને ત્રણ બહેનો છે. દિલીપસિંહ ડોડીયા સૌથી નાના ભાઈ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં. પરિવારનાં માથા પરથી છત્રછાયા અચાનક જતી રહેતા પરિવાર દુખમાં સરી પડ્યો છે.