હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં અનલોક-4 બાદ તમામ છૂટછાટો જાહેર થતાં અને સરકારી યાદીમાં ઓછા દેખાતાં કેસોના કારણે લોકોમાંથી કોરોનાનો ભય ઊડી ગયો હોય તેમ બિન્દાસ થઈ માસ્ક પહેર્યાં વગર ટોળે ટોળાં જોવા મળ્યા હતાં.



રવિવારની રાતે મ્યુનિ. કર્મચારીઓની ટીમો ચેકીંગમાં નિકળી ત્યારે આઈઆઈએમ રોડ, એચ.એલ. કોલેજ રોડ, સિંધુભવન રોડ પર ચા, કોફીના સ્ટોલ અને ફુડપાર્લરો પર વળેલાં યુવક-યુવતિઓના ટોળાં ભાગવા માંડ્યા હતાં. આ દરમ્યાન કેટલાંક સ્ટોલ્સ સીલ કરવામાં આવ્યા હતાં તો કેટલાંકને દંડ ફટકારાયો હતો.



આ અંગે મ્યુનિ.એ એસ.જી. હાઈવે, પ્રહલાદનગર રોડ, સિંધુભવન રોડ, રીંગરોડ, ખાણીપીણી બજારો, લોગાર્ડન વગેરે વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર કે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવ્યા વગર થતાં ટોળાંના ફોટોગ્રાફ્સ રિલીઝ કરી તે પરત્વે ચિંતાની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આ યુવકો સંક્રમિત થયા હશે અને એસિમ્પ્ટોમેટિક હશે તેમનામાં લક્ષણો નહીં હોય પણ તેમના ઘરે રહેતાં તેમના વૃદ્ધ વડીલોને ચેપ લગાડી શકે છે.



નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં કોરોનાના નવા 178 પોઝિટિવ કેસ મળી આવ્યા હતાં જ્યારે કોરોનાથી અમદાવાદ શહેરમાં 3 દર્દીઓના મોત નિપજ્યાં હતાં. (આ તમામ ફોટો ફેસબુક પરથી લેવામાં આવેલ છે)