Gujarat Corona Case Update: રાજ્યમાં આજે કોરોનાના 121 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 44 નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 18 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99.05 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1211 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. અનુજ પટેલની તબિયત લથડતા તેમને સારવાર માટે કે. ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે.ડી.હોસ્પિટલે પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ KD હોસ્પિટલ પહોંચ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ અનુજને બ્રેઇન સ્ટ્રોકની અસર થઈ હોવાની માહિતી મળી છે. સૂત્રોના મતે સીએમના પુત્રનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,તેમના પત્ની અને પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. થોડીવાર પહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ KD હોસ્પિટલ પહોંચ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી અનુજ પટેલને હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે. મગજમાં લોહી ગંઠાઈ જવાનું અથવા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવાથી બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાની શક્યતા છે.
જીગ્નેશ મેવાણીએ પોલીસને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ
મહેસાણા: વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે પોલીસની નિષ્ફળતા પર વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરસ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે મહેસાણા પોલીસને 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટીમેટમ આપીએ છીએ, નહીતો સમગ્ર રાજ્યમાં પોલસ સામે રેલી યોજી વિરોધ કરીશું. તમને જણાવી દઈએ કે, મહેસાણાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે ત્રણ દિવસ પહેલા એક યુવતીની નગ્ન હાલતમાં લાશ મળી હતી. જો કે આ ઘટના બાદ મહેસાણા પોલીસ આરોપી સુધી પહોંચવામાં નાકામ રહી છે ત્યારે આજે મહેસાણા ખાતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજના આગેવાનોની એક મીટીંગ મળી હતી અને આ મુદ્દે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા હતા. જોકે આ ઘટનામાં વિસનગર ધારાસભ્યએ આજ દિન સુધી સંવેદના બતાવી નથી જેને લઇ દલિત સમાજ નારાજ જોવા મળ્યો હતો.