અમદાવાદ રેલવે સ્ટેશન પર કોરોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ કરવામાં આવી છે. સ્ટેશને ઉભા કરેલા ડોમમાં ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોના ફરજિયાતપણે કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા હતા પણ હવે તે ટેસ્ટ કરવામાં નથી આવતા.


અમદાવાદ રેલવે સ્ટેશનેથી રોજની 60થી વધુ ટ્રેનોની અવર-જવર છે. કોરોનાની સ્થિતિમાં બહારથી આવતા સંક્રમિત મુસાફરોના કારણે શહેરમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે.

અમદાવાદ રેલવે સ્ટેશને ઓક્ટોબરમાં સ્ટેશન પરિસરમાં ડોમ ઉભો કરીને તમામ ટ્રેનોના મુસાફરોનું ફરજિયાત કોરોના ટેસ્ટ કરાતું હતું. તેમાં કુલ 61 હજાર 199 મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 707 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. સૌથી વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 410 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.