અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ ક્યારથી દોડશે? જાણો અંદાજે કેટલું હશે ભાડું?
abpasmita.in | 24 Dec 2019 09:33 AM (IST)
દેશની પ્રથમ પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન આગામી મહિને એટલે 17 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર ટ્રેનની ટીકિટ હજુ નક્કી કરવામાં આવી નથી.
સુરત: દેશની પ્રથમ પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન આગામી મહિને એટલે 17 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. નોંધનીય છે કે, આ પહેલા લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જોકે અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટીકિટ નક્કી કરવામાં આવી નથી. એસી ચેર કારનું ભાડું અંદાજે 1200થી 1300 અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2400થી 2500 રૂપિયા રહેવાની શક્યતા છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે. દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17મી જાન્યુઆરીએ સુરત સ્ટેશને સવારે 9:35 વાગ્યે બે મીનિટનું સ્ટોપેજ લઈ મુંબઈ તરફ રવાના થશે. રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શિડ્યુઅલને મંજૂરી આપવામાં આવી છે. 17મીએ ઈનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી વાર તેજસ ટ્રેન દોડશે. તેજસને 19મી જાન્યુઆરીથી રેગ્યુલર કરવામાં આવશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકીંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે. રેલવે બોર્ડે 20મી ડિસેમ્બરે તેજસ એક્સપ્રેસની પરિચાલન તારીખને મંજૂરી આપતાં 19મીથી તેજસ રેગ્યુલર બેઝ પર દોડતી થશે. સુરત સ્ટેશન પર માત્ર બે મીનિટ સ્ટોપેજ કરનાર તેજસ ટ્રેન માટે કરન્ટ બુકીંગ કાઉન્ટર, રિઝર્વેશન સેન્ટર અને ચેક ઈન કાઉન્ટર માટે સેટ અપ ઉભું કરવામાં આવશે. નવેમ્બર મહિનામાં આઈઆરસીટીસીના મેનેજીંગ ડાયરેક્ટર રાહુલ હિમાલયન દ્વારા સુરત રેલવે સ્ટેશને સુવિધાઓ ઉભી કરવા અંગે નિરીક્ષણ કર્યું હતું. સંભવત ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશને તેજસના પરિચાલન સંદર્ભનું માળખું ઉભું કરવામાં આવશે.