India Host the Commonwealth Games 2030: ભારતને બુધવારે ગ્લાસગોમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઔપચારિક મંજૂરી મળી છે. ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કોમનવેલ્થ-2030 અમદાવાદમાં યોજાશે.
2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ કરશે. જેની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટે અમદાવાદમાં યોજાનારી રમતોની પ્રારંભિક યાદી પણ જાહેર કરી હતી. જેમાં પસંદગી પ્રક્રિયા બાદ વધુ રમતો ઉમેરવામાં આવશે.
ભારતે છેલ્લે 2010 માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ વખતે આ ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે, અહીં છેલ્લા દાયકામાં રમતગમતના માળખાગત વિકાસ ઝડપથી થયો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સની બિડમાં ભારતે નાઇજીરીયા સાથે સ્પર્ધા કરી હતી, પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટે 2034 ની એડિશન માટે આફ્રિકન દેશને વિચારમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર રમતગમતની દુનિયામાં ભારતનું નામ ઉન્નત કરશે નહીં, પરંતુ તે પ્રવાસનને પ્રોત્સાહન આપશે, લોકોને નોકરીઓ આપશે અને યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે. જે દેશો એક સમયે બ્રિટિશ શાસન હેઠળ હતા તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લે છે.
અમદાવાદને યજમાની આપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. સમિતિએ ટેકનિકલ ક્ષમતાઓ, રમતવીરોનો અનુભવ, માળખાગત સુવિધા, શાસન અને કૉમનવેલ્થ ગેમ્સના મૂલ્યો સહિતની બાબતોનાં અનેક માપદંડોના આધારે ઉમેદવારો અને શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. જો કે, નાઇજીરીયાની રાજધાની અબુજા પણ આ ઇવેન્ટનું આયોજન કરવાની દોડમાં હતી. અમદાવાદ અને અબુજા બંનેએ ખુબ જ આકર્ષક અને મહત્વકાંક્ષી પ્રોજેક્શન કર્યું હતું. હવે કમિટી આ બાબતે નિર્ણય કરી અમદાવાદ શહેરને યજમાની આપી છે.
કૉમનવેલ્થ ગેમ્સ 2030 માં તેની 100મી વર્ષગાંઠ ઉજવવા પણ જઇ રહ્યું છે. પહેલી ઇવેન્ટ 1930 માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી. અમદાવાદનું આયોજન ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ પણ સાબિત થશે.