India vs Pakistan: વર્લ્ડકપમાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત- પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચની રોમાંચક તૈયારીઓ કરવામાં આવી છે. ભારત- પાકિસ્તાન મેચમાં પ્રેક્ષકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકસ્ટ્રા AMTS અને BRTS બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. AMTSની ચાંદખેડા રૂટ ઉપરાંત 50 એક્સ્ટ્રા બસો દોડશે. પૂર્વ અને પશ્ચિમ એમ બંનેના કુલ પાંચ સ્થળોએ જવા 50 બસો મૂકવામાં આવી છે. BRTSની પણ રૂટ ઉપરાંત 22 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી AMTS અને BRTS નાગરિકો માટે ચાલુ રહેશે.
AMTS કમિટિના ચેયરમેને કહ્યું હતું કે મોટેરા- ચાંદખેડા તરફ હાલમાં કુલ 49 બસ દોડી રહી છે. ઉપરાંત એકસ્ટ્રા 50 બસો દોડાવવામાં આવશે. મણિનગર,ઓઢવ, ગીતામંદિર, નારોલ, વાસણા અને ઉજાલા સર્કલ સુધી આ બસો જશે. રાત્રીના મેચ પૂર્ણ થયા બાદ આ લોકેશન પર જવા માટે પ્રેક્ષકોએ 20 રૂપિયા ભાડુ ચૂકવવું પડશે. કોઈપણ જગ્યાએ જવું હોય તો તેઓને 20 રૂપિયા ચૂકવવાના જ રહેશે. 30 જેટલા અધિકારીઓ- કર્મચારીઓ ફિલ્ડમાં હાજર રહેશે.
અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે ચાંદખેડા- ઝુંડાલના રૂટ પર હાલ 45 BRTSની બસ દોડે છે. ત્યારે મેચના દિવસે વધારાની 22 જેટલી બસ મૂકવામાં આવશે. એટલે કે કુલ કુલ 47 બીઆરટીએસ બસ દોડશે. BRTSની 22 એક્સ્ટ્રા બસો સવારે 11 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી દોડશે. ચાંદખેડા-ઝુંડાલ રૂટની તમામ 45 બસો પણ રાત્રે એક વાગ્યા સુધી દોડશે. મેચના દિવસે કુલ 40 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોડી રાત સુધી હાજર રહેશે. અમદાવાદમાં ભારત -પાકિસ્તાન મેચ દરમ્યાન BRTS બસો દોડાવાશે તેમજ શહેરમાં બંધ 1300 સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે બીસીસીઆઇએ સત્તાવાર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન મેચ અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલિબ્રેશન કરવામાં આવશે. જેમાં ભારતના ત્રણ મોટા કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ આ શોનો હિસ્સો હશે. અરિજીતની સાથે શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પણ પરફોર્મ કરશે.