India vs Pakistan World Cup 2023: ભારતે ગયા રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરી હતી. ભારત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરે ટકરાશે.14 ઑક્ટોબરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન સજ્જ બન્યુ છે.  શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.



તો BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જૂનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે.એક અંદાજ પ્રમાણે શહેરમાં સાત હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.


હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.  અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.


આ મેચમાં અમદાવાદ શહેર ઉપરાંત રાજ્ય, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સાથે VIP અને VVIPની પણ હાજરી હશે. ત્યારે પોલીસ માટે આ મેચની સુરક્ષાનો બંદોબસ્ત મોટો પડકાર સાબિત થાય તેમ છે. સોમવારના મુખ્યમંત્રીએ પણ મેચને લઈને સચિવો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. VIP અને VVIPને સ્ટેડિયમ સુધી લાવવા પ્રત્યેક એસ્કોટર્સને ડીએસપી કક્ષાના અધિકારી લીડ કરશે.


શહેર પોલીસ કમિશનરે કહ્યું કે બંને ટીમો 11 ઓક્ટોબરથી જ અમદાવાદ આવી જવાની છે. આ ટીમોના રોકાણના સ્થળ, પ્રેકટિસ સેશન્સની મુવમેન્ટ માટે પૂરતા પાયલોટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસ તરફથી ક્રિકેટ સ્ટેડિયમ ઉપરાંત ટીમ્સના રોકાણના સ્થળે ટ્રાફિક બંદોબસ્ત તથા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરના 17 સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. 4 હજારથી વધુ હોમગાર્ડના જવાનની મદદ લેવાશે. NSGની ત્રણ ટીમ પણ ગુજરાતમાં બોલાવાઈ હતી. BDDSની 9 ટીમને પણ સુરક્ષામાં મદદ લેવાશે. ચેતક કમાન્ડો, NDRF, SDRFની ટીમની પણ મદદ લેવાશે. સંવેદનશીલ વિસ્તારમાં RAFની ટીમોને તૈનાત કરાશે. SRP, RAF, CRPF, CISFને પણ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે. કોમી એકતા જળવાઈ રહે તે માટે 3 દિવસ પહેલા બંદોબસ્ત શરૂ થશે. બોડી વોર્ન કેમેરા, ડ્રોન, CCTV, મેટર ડિરેક્ટરથી સતત મોનિટરીંગ કરાશે. એન્ટી ડ્રોન સિસ્ટમની પણ ડિમાંડ મૂકવામાં આવી હતી. પાકિસ્તાન ટીમને વધારાની સુરક્ષા ફાળવાશે. સ્ટેડિયમના ગેટ 11 તારીખથી CISFની સુરક્ષા હેઠળ આવી જશે.


સ્ટેડિયમના ગેટ 11 પર વગર મંજૂરીએ ગેરકાયદે વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. દર્શકો ગેટ નંબર 1,2,5 અને 6 પરથી પ્રવેશ લઈ શકશે. ગેટ નંબર 3 અને 4 પરથી VVIP મહેમાનો અને બંને ટીમ પ્રવેશ કરશે. સ્ટેડિયમ બહારના પ્રવેશ દ્વાર પર રેલિંગ કરી દેવામાં આવી છે. ત્રણ કલાક અગાઉ દર્શકોએ પ્રવેશ કરવાનો રહેશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે. 21 DCP,47 ACP,131 પોલીસ ઇન્સ્પેકટર,369 પોલીસ સબ ઇન્સપેક્ટર સ્ટેડિયમ આસપાસ રહેશે. 6875 કોન્સ્ટેબલ સહિત 7000 નો પોલીસ સ્ટાફ સુરક્ષામાં જોડાશે. સ્ટેડિયમ બહાર લગાવવામાં આવેલી રેલિંગની અંદર પ્રતિબંધિત વસ્તુઓ લઈ જઈ શકાશે નહીં.