IPL Auction 2024: દુબઈમાં યોજાયેલી આઈપીએલ હરાજીમાં અમદાવાદી ક્રિકેટરનું પણ નસીબ ચમક્યું છે. અમદાવાદના સૌરવ ચૌહાણને આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 લાખમાં કરારબદ્ધ કર્યો છે. સૌરવ ચૌહાણના પિતા દિલીપસિંહ ચૌહાણ અમદાવાદ ફાયરવિભાગમાં ફરજ બજાવતા હતા. ઉઉપરાંત તેના પિતા નવરંગપુરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ મેન પણ રહી ચૂક્યા છે.
સૌરવ લેફ્ટ હેન્ડેડ બેસ્ટમેન છે. આઈપીએલમાં સૌરવ ચૌહાણની આ પહેલી એન્ટ્રી છે. તેઓએ અત્યાર સુધી આઈપીએલમાં એક પણ મેચ રમ્યા નથી. ગઈકાલે T-20 ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મીની હરાજી 19મી ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. જેમાં 155 ખેલાડી પર બોલી લગાવવામાં આવી હતી. 72 ખેલાડીઓ વેચાયા થયા હતા.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બતાવી ચુક્યો છે કરિશ્મા
આ બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અમદાવાદના AMC સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનના પુત્ર સૌરવે અરુણાચલ પ્રદેશની ટીમ સામે આ વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની હિટિંગ ક્ષમતા સાબિત કરી હતી. સૌરવે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મેઘાલયના અભય નેગીનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે વર્ષ 2019માં મિઝોરમ સામે 14 બોલમાં અર્ધસદી ફટકારી હતી. સૌરવની બેટિંગના કારણે ગુજરાતની ટીમે માત્ર 8 ઓવરમાં અરુણાચલના 127 રનના સ્કોરનો પીછો કરી લીધો હતો.
વન ડાઉન ઉતરી શકે છે બેટિંગ કરવા
સૌરવ ચૌહાણની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રીથી ટીમને બેટિંગ પાવર મળશે. સૌરવ નંબર 3 પર RCB માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારથી વિરાટે ઓપનિંગ શરૂ કરી છે ત્યારથી નંબર 3 ટીમ માટે મુશ્કેલ કોયડો બની ગયો છે. આવી સ્થિતિમાં સૌરવ IPL 2024માં RCB માટે નંબર 3 પર રમતા જોવા મળી શકે છે.
ગઈકાલે આઈપીએલની મીની હરાજીમાં 300થી વધુ ખેલાડીઓનું ભાવિ દાવ પર હતું. જો કે, તેમાંથી માત્ર 72 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવી હતી, જેના માટે ફ્રેન્ચાઇઝી દ્વારા 230.45 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ હરાજીમાં છ ખેલાડીઓ પર 10 કરોડ રૂપિયા કે તેથી વધુની બોલી લગાવવામાં આવી હતી. કુલ 39 ખેલાડીઓ કરોડપતિ બન્યા. એટલે કે તેમના પર રૂ. 1 કરોડ કે તેથી વધુની બોલી લગાવવામાં આવી હતી. હરાજીમાં ભારત તરફથી હર્ષલ પટેલ સૌથી મોંઘો વેચાયો હતો. તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સમીર રિઝવી આ હરાજીમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી પહેલા તમામ ટીમો પાસે કુલ 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ હતો. 10 ટીમોએ કુલ 230.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ હરાજીમાં કુલ નવ અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બન્યા અને તમામ ભારતીય છે.