ISKCON Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈને રોજે રોજ નવા નવા તથ્યો સામે આવી રહ્યા છે. તથ્ય પટેલની કારની સ્પીડથી લઈને બ્રેક અંગેના રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. હવે એ પણ સાબિત થઈ ગયું છે કે, તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તેમા કોઈ ખામી હતી કે નહીં.   RTO અધિકારીના જણાવ્યા અનુસાર તથ્ય પટેલની અકસ્માત કરેલી કારમાં કોઈ યાંત્રિક ખામી ન હતી, અકસ્માત સર્જનારી તથ્ય પટેલની કારનું RTO ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેકશન કર્યું હતું.


 



RTO અધિકારીએ કહ્યું કે, તથ્ય પટેલની કારમાં બ્રેક બરાબર જ હતી. તથ્ય પટેલની કારનું એન્જિન સહિતના તમામ પાર્ટ બરાબર કામ કરતા હતા. તો બીજી તરફ એ માહિતી પણ સામે આવી છે કે, 6 મહિના પહેલા જ કાર  રજિસ્ટર્ડ થયેલી છે. આ કાર હજુ 12 હજાર કિલોમીટર ચાલી હોવાથી રાઉસ પણ થયેલી નથી.


તો બીજી તરફ 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલનું ડ્રાઈવિંગ  લાયસન્સ રદ્દ થશે. તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની કરેલી ભલામણ અંગે તથ્યને નોટિસ મોકલી છે. પોલીસની ભલામણના આધારે RTOએ તથ્ય પટેલને શો કોઝ નોટિસ મોકલી છે. આગામી 7 દિવસોમાં તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.


 નબીરા તથ્ય પટેલ વિરુદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ


ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. નબીરા તથ્ય વિરુદ્ધ અકસ્માતની વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદ અનુસાર, છ મહિના પહેલાં પણ આરોપી તથ્ય પટેલે જગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.



ગાંધીનગરનાં સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયા દેવના મંદીરમાં જગુઆર કાર ઘૂસાડી હતી. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસ તથ્ય પટેલની ફરી ધરપકડ કરી શકે છે. મોવ કાફે અકસ્માત કેસમાં તથ્યની ધરપકડ થઇ શકે છે. ટ્રાફિક પોલીસ ચાર્જશીટ દાખલ કર્યા બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે.


ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મોવ કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, પોલીસે હવે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.









બેફામ રીતે કાર ચલાવવાથી અકસ્માત થયો હતો. ટક્કર મારી ત્યારે તથ્યએ એક્સેલેટર દબાવેલું હતું. તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં ખુલ્યું છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી હતી. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં સવાર હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial